રાજકોટ શહેર અને જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર પહેલા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા સુધીનો વધારો થવાની જાહેરાતથી વાલીઓ પર વધારાનો આર્થિક બોજ આવવાનો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 400થી વધુ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે અંદાજે 4500 જેટલી સ્કૂલ વાન અને રિક્ષા દોડે છે. જેમાં આશરે 45 હજાર વિદ્યાર્થીઓ અવરજવર કરે છે.

રાજકોટમાં સ્કૂલ વાનના ભાડામાં 10 ટકાનો વધારો

રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા 8 જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર પહેલા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટમાં હાલમાં રૂ.1000થી રૂ.1200 સુધી વસૂલાતું માસિક ભાડું વધીને અંદાજે રૂ.1350થી રૂ.1400 સુધી પહોંચી શકે છે. એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને ખાસ કરીને CNGના વધતા ભાવને કારણે હવે વધારો અનિવાર્ય બન્યો છે.

વાલીઓ ઉપર ઈંધણના ભાવ વધારાનો બોજ વધશે

તેમણે જણાવ્યું હતું કે અગાઉ CNGનો ભાવ રૂ.76 પ્રતિ કિલો હતો, જે હાલ વધીને રૂ.88 સુધી પહોંચ્યો છે. વાહનોના સ્પેર પાર્ટ્સ અને રિપેરીંગ ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાન ચાલકો માટે હાલની પરિસ્થિતિમાં વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. સ્કૂલ વાન ચાલક મુરાદ દલવાણીએ જણાવ્યું હતું કે અગાઉ એક વખત CNG ભરાવવાનો ખર્ચ રૂ.600 જેટલો થતો હતો, જે હવે વધીને રૂ.780થી વધુ થયો છે. વાલીઓને ઓછી તકલીફ પડે તે રીતે ભાવ વધારો જાહેર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat News : અંડર ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટે 2.80 લાખ વિદ્યાર્થી નોંધાયા, આજે કોલેજ એલોટમેન્ટ થવાની શક્યતા