રાજકોટના અત્યાધુનિક ગણાતા સ્માર્ટ સિટી વિસ્તારમાં જ પીવાના પાણી માટે મોટો પોકાર ઉઠ્યો છે. અહીં આવેલી જીજાબાઈ ટાઉનશિપ (લાઈટ હાઉસ પ્રોજેક્ટ) માં રહેતા 1144 ફ્લેટ ધારકો પૈકીના અંદાજે 800 પરિવારો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે.


વચન મળ્યું પણ પાઈપલાઈન નહીં

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીની કોઈ સત્તાવાર પાઈપલાઈન આપવામાં આવી નથી. જે બોર ટાઉનશિપમાં છે તે હવે ઊંડા ઉતરી ગયા હોવાથી પાણી પૂરું પડી રહ્યું નથી. આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ જણાવ્યું કે, "ચૂંટણી સમયે નેતાઓ પાણીની પાઈપલાઈન આપવાનું વચન આપી ગયા હતા, પણ હવે ચૂંટણી પતતા જ તે દેખાતા બંધ થઈ ગયા છે."

ટેન્કર પાછળ લાખોનો ખર્ચ

પાણી વગર બેહાલ બનેલા લોકો દરરોજ ટેન્કર મંગાવવા મજબૂર છે. એક ટેન્કર માટે 1200 જેવો માતબર ખર્ચ કરવો પડે છે. મધ્યમ વર્ગીય પરિવારો માટે રોજેરોજ ટેન્કરના પૈસા ચૂકવવા પરવડે તેમ નથી. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે સ્થાનિકોએ મનપામાં રજૂઆત કરી ત્યારે પાઈપલાઈન નાખવા માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચની માંગ કરવામાં આવી રહી છે.

સ્માર્ટ સિટી કે માત્ર જાહેરાત?

જ્યારે આ પ્રોજેક્ટ બન્યો ત્યારે તેને દેશનો સૌથી આધુનિક અને સ્માર્ટ પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે પ્રાથમિક સુવિધા જેવું 'પાણી' પણ ઉપલબ્ધ નથી, ત્યારે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ માત્ર કહેવાતું જ સ્માર્ટ સિટી છે? જો વહેલી તકે પાઈપલાઈનનું કનેક્શન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકો આંદોલનના માર્ગે વળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Gandhinagar: આંગણવાડી કર્મચારી સંઘનો હુંકાર, સરકાર સાથેની ચર્ચાઓ અનિર્ણિત રહેતા ભારે રોષ

  • Follow us on: