શહેરમાં ગુરુવારે હુડકો ક્વાર્ટર વિસ્તારમાં એક પુત્રએ પારિવારિક ઝઘડાના કારણે પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે મૃતકના પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટમાં હત્યારા પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારના રોજ હુડકો ક્વાર્ટર ખાતે રહેતા નરેશ વ્યાસ નામના વ્યક્તિની હત્યાનો ખૂની ખેલ ખેલાયો હતો. આ હત્યા તેમના જ પુત્ર હર્ષ વ્યાસે કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ હત્યાનું મુખ્ય કારણ લાંબા સમયથી ચાલી રહેલો પારિવારિક કંકાસ હોવાનું જાણવા મળ્યું છે.

હુડકો ક્વાર્ટરમાં ખેલાયો હતો ખૂની ખેલ

મૃતક નરેશ વ્યાસની બહેન (આરોપી હર્ષ વ્યાસના ફોઈએ) આ મામલે પુત્ર હર્ષ વ્યાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક નરેશ વ્યાસ છેલ્લા બે-ત્રણ વર્ષથી પરિવારજનોને સતત હેરાન-પરેશાન કરતા હતા, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાઓએ જ અંતે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી હર્ષ વ્યાસ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે હત્યારા પુત્ર હર્ષ વ્યાસ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી હત્યા પાછળના અન્ય કોઈ કારણો કે સંડોવણી હોય તો તે બહાર આવી શકે.

આ પણ વાંચો: : પોલીસના જાપ્તા હેઠળ રહેલી બાંગ્લાદેશી મહિલા જનનીધામમાંથી ફરાર, CCTV ફૂટેજ સામે આવ્યા


  • Follow us on: