રાજકોટ શહેરમાં વધુ એક ભયાનક આગની ઘટનાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. રાજકોટના સોના-ચાંદીના વેપારના મુખ્ય કેન્દ્ર સમાન સોની બજાર વિસ્તારમાં આવેલા એક વ્યાપારી કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ સોની બજારમાં આવેલી 'દિયા ગોલ્ડ પોલિસિંગ' નામની સોનાના દાગીના પોલીસ કરતી દુકાનમાં લાગી હોવાનું સામે આવ્યું છે.

સિલિન્ડર બ્લાસ્ટનો લાઇવ વીડિયો વાયરલ

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેણે જોતજોતામાં આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન દુકાનમાં કામકાજ અર્થે રાખવામાં આવેલો ગેસ સિલિન્ડર ભારે ગરમીના કારણે અચાનક પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. આ સિલિન્ડર બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની દુકાનો ધણધણી ઉઠી હતી. ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ આ સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બ્લાસ્ટ થતાં જ આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડે મોટી હોનારત ટાળી

ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોની બજારનો વિસ્તાર અત્યંત ગીચ અને સાંકડી ગલીઓવાળો હોવાથી શરૂઆતમાં ફાયર ફાઇટરોને અંદર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જો કે, ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવીને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી દીધી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દુકાનમાં રાખેલો ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: Vav -Tharad: કરણપુરા ગામે ખેત તલાવડીમાં નાહવા પડેલા બે યુવાન મજૂરોના ડૂબી જવાથી કરૂણ મોત