બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકમાં ઉનાળાની ગરમી વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. થરાદ તાલુકાના કરણપુરા ગામે ખેત મજૂરી અર્થે આવેલા બે શ્રમિક યુવાનોના ખેત તલાવડીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને ખેત માલિકોમાં ભારે નાસભાગ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
એકને બચાવવાના ચક્કરમાં બીજો પણ ડૂબ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, કરણપુરા ગામના સ્થાનિક ખેડૂત પટેલ જેતસીભાઈ ભલાભાઈના ખેતરમાં રાજસ્થાનથી આવેલા શ્રમિકો ખેત મજૂરી કરતા હતા. દિવસભરના સખત પરિશ્રમ બાદ મોડી સાંજે બંને યુવાનો ખેતરમાં આવેલી પાણીથી ચિક્કાર ભરેલી ખેત તલાવડીની પાળ પર નાહવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી ગયો હતો અને તે સીધો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પોતાના સાથીદારને ડૂબતો જોઈ પાળ પર ઉભેલો બીજો યુવાન પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. પરંતુ કમનસીબે પાણી ઊંડું હોવાના કારણે બંને યુવાનો એકબીજાને બચાવવાના ચક્કરમાં પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી બંનેના મોત નીપજ્યા હતા.
