આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરભરમાં જર્જરિત મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે તંત્ર દ્વારા કુલ ૮૮૬ જેટલી મિલકતોને અત્યંત જોખમી ગણાવીને નોટિસ ફટકારવામાં આવી છે.
દુર્ઘટનાનો ભય અને મનપાની કાર્યવાહી
મનપાના રિપોર્ટ અનુસાર, શહેરમાં અંદાજે ૩૦૦ થી વધુ રહેણાંક મકાનો અને આવાસો એવી હાલતમાં છે કે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં અને બહુમાળી આવાસોમાં જર્જરિત બાંધકામને કારણે રહીશોના જીવનું જોખમ વધી ગયું છે. ચોમાસા દરમિયાન તેજ પવન અને વરસાદમાં આવી ઇમારતો પડવાની ભીતિ રહેતી હોય છે, જેનાથી બચવા માટે તંત્રએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી છે.
