રાજકોટ શહેરમાં ધૂળેટીના પવિત્ર પર્વ પર માનવતાને શરમાવે તેવી એક ઘટના બની હતી. મોબાઈલ ફોન પરત ન આપવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા આરોપીને ઝડપી લીધો છે.


ધૂળેટીના દિવસે થયેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો

મૂળ જામનગરના કાલાવડનો રહેવાસી અક્ષયરાજ જાડેજા અને નેપાળી યુવક રાકેશ વિશ્વકર્મા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાકેશ પાસે અક્ષયરાજનો મોબાઈલ ફોન હતો. અક્ષયરાજે પોતાનો મોબાઈલ પરત માંગ્યો હતો, પરંતુ રાકેશે તે આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પથ્થરના ઘા ઝીંકી હત્યા

ઝઘડો એટલો વધ્યો હતો કે આવેશમાં આવીને અક્ષયરાજે નજીકમાં પડેલા પથ્થરો વડે રાકેશ વિશ્વકર્મા પર હુમલો કરી દીધો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નેપાળી યુવક રાકેશનું કરુણ મોત નીપજ્યું હતું.ધૂળેટીના દિવસે બનેલી આ સનસનાટીપૂર્ણ હત્યાને પગલે પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી અક્ષયરાજ જાડેજાને દબોચી લીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ પાછળ અન્ય કોઈ જૂની અદાવત હતી કે કેમ.

આ પણ વાંચો: Rajkot: મનપાની વર્તમાન બોડીનું આખરી જનરલ બોર્ડ 10 માર્ચે, કર્મચારીઓના પગાર સુધારા સહિતની દરખાસ્તો પર વાગશે મહોર


  • Follow us on: