રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લાયન સફારી પાર્કનું લોકાર્પણ ફરી એકવાર પાછળ ઠેલાયું છે. વહીવટી પ્રક્રિયા અને બાંધકામના બાકી તબક્કાઓને કારણે હવે જુલાઈ મહિનાના અંત પહેલા આ પાર્ક ખુલ્લો મુકાય તેવી શક્યતા નહિવત છે.

વેકેશનમાં મજા નહીં મળે

સામાન્ય રીતે ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મે મહિનામાં પાર્ક શરૂ કરવાનું આયોજન હતું. જોકે, પ્રોજેક્ટમાં હજુ બે મહત્વના ફેઝ (તબક્કા) નું કામ બાકી હોવાથી તંત્ર નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે, આ વેકેશનમાં પ્રવાસીઓએ સફારી વિના જ સંતોષ માનવો પડશે.

ખર્ચમાં 7 કરોડનો વધારો

પ્રોજેક્ટની કામગીરી દરમિયાન કેટલાક વધારાના કામો ઉમેરાતા અને ખર્ચમાં વધારો થતા, તંત્ર દ્વારા વધારાના રૂપિયા ૭ કરોડના ખર્ચની મંજૂરી માંગવામાં આવી છે. આ બજેટરી પ્રક્રિયાને કારણે પણ કામગીરીની ગતિ પર અસર પડી હોવાનું મનાય છે. હજુ પણ બે તબક્કાનું સિવિલ અને વન્યજીવ સુરક્ષાને લગતું કામ બાકી છે, જે પૂર્ણ થતા ઓછામાં ઓછો બે મહિનાનો સમય લાગશે.
આ પણ વાંચો:Ahmedabad: મનપામાં નવા શાસકોની પસંદગીની કવાયત, મેયરથી લઈને પક્ષના નેતા સુધીના હોદ્દાઓ માટે આ નામો રેસમાં