ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં કરવામાં આવી રહેલા સુધારાના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે. પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી જેરામભાઇ વાંસજાળીયાએ આ કાયદાકીય ફેરફારને સમર્થન આપતા જણાવ્યું છે કે આ પગલાથી છેવાડાના માનવી અને દરેક જ્ઞાતિના પરિવારને ફાયદો થશે.
માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગ
જેરામભાઇ વાંસજાળીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, "અમારી મુખ્ય માંગ એ છે કે લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. ઘણીવાર દીકરીઓ લાલચમાં કે છેતરાઈને ખોવાઈ જતી હોય છે અથવા કોઈ તેમને ફસાવીને લઈ જાય છે. આવા સમયે પરિવાર ભારે માનસિક અને સામાજિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો માતા-પિતાની સંમતિ હશે તો આવા કિસ્સાઓ અટકશે."
ધારાસભ્યો સાથે સંપર્ક અને કમિટીની બેઠક
તેમણે વધુમાં ખુલાસો કર્યો કે આ મુદ્દે કેટલાક ધારાસભ્યોના પણ તેમને ફોન આવ્યા છે અને સરકારના આ નિર્ણય અંગે ચર્ચા થઈ છે. આગામી સમયમાં પાટીદાર સમાજની કમિટી આ મામલે બેઠક યોજશે, જેમાં કાયદાના અમલીકરણ અને અન્ય જરૂરી સૂચનો અંગે વિચારણા કરવામાં આવશે.
સામાજિક સુરક્ષાનું કવચ
વાંસજાળીયાએ ઉમેર્યું કે આ કાયદો કોઈ ચોક્કસ જ્ઞાતિ પૂરતો મર્યાદિત નથી. દરેક સમાજમાં દીકરીઓને સુરક્ષિત રાખવી અને પરિવારની એકતા જાળવવી જરૂરી છે. આ કાયદાથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહેશે અને છેતરપિંડીથી થતા લગ્નોના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો: Mehsana: લગ્ન નોંધણી તલાટી નહીં, પણ મામલતદાર કે કલેક્ટર કક્ષાએ થવી જોઈએ- SPG અધ્યક્ષ લાલજી પટેલ