રાજકોટ શહેરમાં એક તબીબના ક્લિનિકમાં સ્પાઈ કેમેરો લગાવી આપત્તિજનક વીડિયો ઉતારવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ મામલે પોલીસે BHMS તબીબ કમલ નાંઢાની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમ એસીપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે વિગતો જાહેર કરી છે.
BHMS તબીબની ધરપકડ કરી
રાજકોટના એક ક્લિનિકમાં ખાનગીમાં સ્પાઈ કેમેરો પ્લાન્ટ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા આપત્તિજનક વીડિયો શૂટ કરવામાં આવ્યા હતા. આ વીડિયોનો ઉપયોગ બ્લેકમેઇલિંગ અને ખંડણી ઉઘરાવવા માટે કરવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. તપાસ દરમિયાન આ સમગ્ર કાવતરામાં ડોક્ટર કમલ નાંઢાની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી છે.
પોલીસ તપાસના મુખ્ય મુદ્દાઓ
પોલીસ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્પાઈ કેમેરો ક્યાંથી ખરીદવામાં આવ્યો અને તેને પ્લાન્ટ કરવામાં અન્ય કોઈ ટેકનિકલ નિષ્ણાતની મદદ લેવાઈ હતી કે કેમ? બ્લેકમેઇલિંગ દ્વારા મેળવેલા ખંડણીના પૈસામાં કમલ નાંઢાને કેટલો હિસ્સો મળ્યો હતો?આપત્તિજનક વીડિયોનો બ્લેકમેઇલિંગ સિવાય અન્ય કોઈ જગ્યાએ દુરુપયોગ કરવામાં આવ્યો છે કે કેમ?આજે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપી કમલ નાંઢાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ ડોક્ટરે અન્ય કેટલા લોકોને આ રીતે નિશાન બનાવ્યા છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Bhavnagar: ફાયરિંગના આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો, નવાપરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન