રાજકોટના રેસકોર્સ પાસે આવેલા લવ ગાર્ડન નજીક સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી બે મહિલા ઈન્ફ્લુએન્સરે સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. બંને મહિલાઓએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બંને મહિલાઓએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે આ પગલું ભરવા પાછળના કારણોનો ખુલાસો કર્યો છે. વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે, મુંબઈના એક વીડિયો પોસ્ટને લઈને થયેલી માથાકૂટ બાદ તેમને કેટલાક લોકો દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
ત્રાસ આપનારાઓના નામ ખુલ્લા પડ્યા
વિડીયોમાં મહિલા ઈન્ફ્લુએન્સરે ચોક્કસ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સુરતની અંકિતા પટેલ, રાજકોટની સોનુ, તેમજ મોરબીની રિદ્ધિ અને તેના પતિ મિલન દ્વારા ત્રાસ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્રાસથી કંટાળીને અને બદનામીથી ડરીને તેમણે આ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. બંને ઈન્ફ્લુએન્સરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વીડિયો અને મહિલાઓના નિવેદનોના આધારે ત્રાસ આપનારા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જગતમાં વિવાદનો માહોલ સર્જાયો છે.
