રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં ઉનાળાની શરૂઆતે જ જળ સંકટ ઘેરું બન્યું છે. ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારતા લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
'પાણી આપો, પાણી આપો'ના સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા ગજવી
પાણીની સમસ્યાથી કંટાળીને આજે 100થી વધુ મહિલાઓનું ટોળું ભાયાવદર નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે હલ્લાબોલ કર્યો હતો અને કચેરીમાં જ 'પાણી આપો, પાણી આપો'ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા સુધારવામાં આવતી નથી.
