રાજકોટમાં ફરી એકવાર હાર્ટ એટેકની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી એક સોસાયટીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા એક યુવકનું ચાલુ કામ દરમિયાન હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેમ છે.


સીસીટીવીમાં કેદ થઈ અંતિમ ક્ષણો

ઘટનાની વિગતો મુજબ, યુવક રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની સોસાયટીમાં રોજની જેમ શાકભાજી વેચવા નીકળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવક સામાન્ય રીતે પોતાની શાકભાજીની લારી ખેંચી રહ્યો હતો. અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તેમ જણાયું અને ગણતરીની સેકન્ડોમાં જ તે લારી સાથે રસ્તા પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો મદદે દોડી આવે તે પહેલા જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.

પરિવારમાં શોકનું મોજું

શાકભાજી વેચીને માંડ-માંડ ઘરનું ગુજરાન ચલાવતા આ શ્રમિક યુવકના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સામાન્ય કામકાજ દરમિયાન અચાનક આવતા હાર્ટ એટેકની આ ઘટનાએ ફરી એકવાર મેડિકલ જગત અને સામાન્ય જનતામાં ચિંતા જગાવી છે.

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

  • Follow us on: