રાજકોટ જિલ્લાના વીંછિયામાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ નાગરિક અકસ્માતનો ભોગ બન્યો છે. વીંછિયા-જસદણ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારની આડે અચાનક રખડતો આખલો આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, તંત્ર સામે રોષ
આ સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રખડતા ઢોર રસ્તાની વચ્ચે અડિંગો જમાવીને બેઠા હોય છે અને વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થાય છે. ઇજાગ્રસ્ત બાઈક સવારને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
