રાજકોટમાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આકરા તાપ વચ્ચે શહેરમાં આજે પાણી કાપ મુકવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ શહેરમાં વધી રહેલા ગરમીના તાપ વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં પાણીકાપ ઝીંકાયો છે. શહેરના પાંચ વોર્ડમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે.
આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે
રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલી માહિતી મુજબ વોર્ડ નંબર 7, 13, 14, 17 અને 18માં પાણીકાપ રહેશે.મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત વિનોદનગર પંપિંગ સ્ટેશન ખાતે પાઇપલાઇન બદલવાની મહત્વપૂર્ણ કામગીરી પણ કરવામાં આવનાર છે. આ મરામત અને જાળવણીના કામોને કારણે આજે સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે.













