રાજપીપળા ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં 1.93 કરોડની ઉચાપતના સનસનાટીભર્યા કેસમાં ફરાર થયેલો મુખ્ય આરોપી કેશ ઓફિસર આખરે ઝડપાઈ ગયો છે. આરોપીનું નામ બાંગબોય દેબદાસ ચક્રવર્તી (કેશ ઓફિસર) છે. જેમણે 1.93 કરોડની ઉચાપત કરી છે. આરોપીને ગુજરાત પોલીસે ઓડિશાના ઝારસુગુડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સથી પકડાયો
પોલીસ છેલ્લા ઘણા સમયથી આરોપીને શોધી રહી હતી. આ કેસ ઉકેલવામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો.પોલીસે આરોપીની પત્નીના કોલ ડીટેલ્સ અને મોબાઈલ લોકેશનની ચકાસણી કરી હતી. પત્નીના લોકેશનના આધારે પોલીસને આરોપી ઓડિશાના ઝારસુગુડા ગામમાં હોવાનું જાણવા મળ્યું.પોલીસે વિસ્તારની એક પછી એક હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને અંતે એક હોટલમાંથી આરોપી બાંગબોય દેબદાસ ચક્રવર્તીને ઝડપી લીધો હતો.
આગળની કાર્યવાહી
આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને ઓડિશાની ઝારસુગુડા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ઉચાપતના કેસમાં વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે રાજપીપળા લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સાબરમતીના બળદેવનગરમાં ડિમોલિશન, રોડ પહોળો કરવા 30 દબાણો હટાવાયા









