અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં વન્યપ્રાણીઓના મોતના સિલસિલામાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાયું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક એક અજાણ્યા ફોર-વ્હીલર વાહનની અડફેટે આવતા એક સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

વાહનની અડફેટે સિંહણનું મોત 

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અથવા વહેલી સવારે સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન ઉના તરફ પૂરપાટ ઝડપે જતી એક કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ટોલનાકા પરથી પસાર થઈને ઉના તરફ ફરાર થઈ ગયો હતો.

વન વિભાગની તપાસ અને CCTV ફૂટેજ

ઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે નાગેશ્રી ટોલનાકાના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વાહનના નંબરના આધારે આરોપી ચાલક સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Gandhinagar: ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ