રાપર શહેરમાં આજે એક જર્જરિત ઇમારતનો ઉપરનો હિસ્સો અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં રહેલી આ ઇમારતનો કાટમાળ નીચે પાર્ક કરેલા વાહનો પર પડ્યો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રાપરમાં જર્જરિત ઇમારતનો હિસ્સો ધરાશાયી
આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે, જે સમયે ઇમારતનો કાટમાળ નીચે પડ્યો તે સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી ન હતી. જો ભીડભાડ વાળા સમયે આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. જોકે, નીચે પાર્ક કરેલા અંદાજે 8 થી 10 જેટલા વાહનો (બાઈક અને અન્ય વાહનો) પર કાટમાળ પડતા તેમનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને વાહન માલિકોને મોટું નુકસાન થયું છે.
સદનસીબે જાનહાનિ ટળી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ઇમારત 2001ના ભૂકંપ પહેલાની બનેલી છે. લાંબા સમયથી જર્જરિત હોવા છતાં તેને ઉતારી લેવામાં ન આવતા આજે આ અકસ્માત સર્જાયો હતો. કાટમાળ પડવાના કારણે વીજ લાઈનોને પણ નુકસાન થવાની ભીતિ વચ્ચે વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે ખોરવાયો હતો.
નગરપાલિકાનો સ્ટાફ અને PGVCLની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ રાપર નગરપાલિકાનો સ્ટાફ અને PGVCLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. PGVCL દ્વારા વીજ જોડાણ સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નગરપાલિકાના સ્ટાફ દ્વારા જેસીબીની મદદથી રસ્તા પર પડેલો કાટમાળ હટાવવાની અને દબાયેલા વાહનોને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Sabarkantha: નવાપુરા દૂધ મંડળીમાં 28.72 લાખની ઉચાપત, પૂર્વ ચેરમેન-સેક્રેટરી સામે ફરિયાદ