પંચમહાલ જિલ્લાના ગોધરામાં વર્ષ 2014માં થયેલી ચકચારી મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગોધરાની સેશન્સ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 4 વર્ષની જેલની સજાને યથાવત રાખી છે, જેના પગલે અત્યાર સુધી જામીન પર રહેલા તમામ 9 આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ગોધરામાં વર્ષ 2014માં થયેલી મારામારીનો કેસ
ઘટનાની વિગત મુજબ, 28 મે 2014ના રોજ ગોધરા સ્થિત શંકર લોજ ખાતે ટ્રાવેલ્સના બુકિંગ મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે 9 શખ્સોના ટોળાએ લોજમાં ઘૂસીને માલિકને ઢોર માર માર્યો હતો. આ હુમલા બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 23 ઓક્ટોબરના રોજ નીચલી જ્યુડિશિયલ કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી 4 વર્ષની સજા ફટકારી હતી.
હાઈપ્રોફાઈલ આરોપીઓ જેલ હવાલે
આ કેસમાં સજા પામેલા શખ્સોમાં ગોધરાના જાણીતા ચહેરાઓ સામેલ છે.સુનિલ લાલવાની જેઓ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.સુરેશ દેરાઈ જેઓ ગોધરામાં કારના શો-રૂમના માલિક છે. નીચલી કોર્ટના સજાના હુકમ સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને અત્યાર સુધી તેઓ જામીન પર મુક્ત હતા. જોકે, ગોધરા સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નીચલી કોર્ટનો ચુકાદો કાયમ રાખ્યો છે.
10 વર્ષ જૂના આ કેસમાં ન્યાય મળ્યો
સેશન્સ કોર્ટ દ્વારા સજા યથાવત રાખવાના આદેશ સાથે જ પોલીસે કોર્ટ પરિસરમાંથી જ તમામ 9 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. 10 વર્ષ જૂના આ કેસમાં આખરે ભોગ બનનાર પક્ષને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: Panchmahal: અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત, કાર બસની પાછળ ઘૂસી ગઈ