સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સ્વામિનારાયણ મિશનરી ધામમાંથી એક સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. અહીં કલાકુંજ મંદિરના સંત સ્વામી પ્રિયદર્શનદાસજીએ અગમ્ય કારણોસર ઊંઘની વધુ પડતી દવા (ગોળીઓ) ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ હરિભક્તો અને સાધુ-સંતોના ટોળેટોળાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.

કોઈના દબાણ હેઠળ પગલું ભર્યાની આશંકા

આ ચકચારી આત્મહત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. 'સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ' આ સમગ્ર મામલે સામે આવી છે અને તટસ્થ તપાસની માંગ કરી છે. સમિતિના હોદ્દેદારોએ આશંકા વ્યક્ત કરી છે કે પૂજ્ય સ્વામીએ કોઈ મોટી વહીવટી, સામાજિક કે માનસિક દબાણ હેઠળ આવીને આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. તેમની આત્મહત્યા પાછળ કોઈ મોટી કડી છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પોલીસ તપાસની માંગણી

ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પાસોદરા મિશનરી ધામ ખાતે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમિતિ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થાય, જેથી સ્વામી પ્રિયદર્શનદાસજીને ન્યાય મળી શકે અને સત્ય બહાર આવી શકે. પોલીસ હાલમાં સ્વામીના રૂમની તલાશી લઈ કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Valsad: મહારાષ્ટ્ર સરહદે ચારોટી બ્રિજ પર અકસ્માતમાં આવી રહેલી 17 કરોડની ચાંદી રસ્તા પર બિખરાઈ, બેના મોત