ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આવેલા ચારોટી ફ્લાયઓવર પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર તરફથી ગુજરાતના વાપી તરફ આવી રહેલી ચાંદી ભરેલી એક લક્ઝરી કાર નિયંત્રણ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

17કરોડની ચાંદી રસ્તા પર અને પોલીસ એક્શન

મળતી વિગતો અનુસાર, આ ગાડીમાં આશરે ૬૦૦ કિલો ચાંદીની ઈંટો ભરેલી હતી. અકસ્માત થતાં જ કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને કરોડો રૂપિયાની ચાંદીની ઈંટો હાઈવે પર રસ્તા પર વેરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કિંમતી મુદ્દામાલની ચોરી ન થાય તે માટે પોલીસે તુરંત જ હાઈવે બ્લોક કરી લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ રૂપિયા ૧૭ કરોડથી વધુની કિંમતનું ચાંદી સુરક્ષિત રીતે કબજે લીધું હતું.

વાપીની મોડીસન કંપનીમાં લવાતો હતો જથ્થો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ ચાંદીનો જથ્થો વાપીમાં આવેલી પ્રખ્યાત 'મોડીસન કંપની' (Modison સાયન્સ/મેટેલર્જી પ્રોડક્ટ્સ) માં ઔદ્યોગિક વપરાશ કે પ્રોસેસિંગ માટે લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને સમગ્ર કાનૂની દસ્તાવેજોની ચકાસણી સાથે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Kheda: આઇકોનિક રોડનું નવીનીકરણ શરૂ, મહેમદાવાદ-મહુધા માર્ગ પર ડામર પેવિંગ કામ શરૂ કરાવ્યું