સુરતની પોક્સો કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 11 લાખના દંડની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ છે કે ગુનો કરનાર આરોપી ઘટના સમયે માત્ર 17 વર્ષનો હતો, છતાં તેની ગુનાહિત ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે તેને આકરી સજા કરી છે.

સુરતમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

ફેબ્રુઆરી 2023માં સચિન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 17 વર્ષીય કિશોરે પડોશમાં રહેતી 12 વર્ષની માસૂમ બાળકીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની પર ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયતને કારણે બાળકી ગર્ભવતી બની હતી અને અંતે ગંભીર પરિસ્થિતિમાં તેનું ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.

સુરતનો પ્રથમ ઐતિહાસિક કેસ

કાયદાકીય જોગવાઈ મુજબ, જ્યારે 16 થી 18 વર્ષની વચ્ચેનો કિશોર આવો જઘન્ય ગુનો કરે, ત્યારે તેનો મનોવૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ કેસમાં બાળ સુરક્ષા અધિકારીના રિપોર્ટમાં સાબિત થયું કે આરોપીની મનોસ્થિતિ કોઈ સામાન્ય બાળક જેવી નહીં પણ પુખ્ત ગુનેગાર જેવી હતી. આ રિપોર્ટને આધારે કોર્ટે તેને બાળક ગણીને રાહત આપવાને બદલે પુખ્ત આરોપીની જેમ કડક સજા ફટકારી છે.

આ પણ વાંચો: Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, જોગણી માતાના મંદિર પાસે અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી મળી દારૂની બોટલ