સુરતના સારોલી વિસ્તારમાં આવેલી મોડેન ટાઉન રેસીડેન્સીમાં મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી છે. રેસીડેન્સીના પાર્કિંગ એરિયામાં અચાનક આગ ભભૂકી ઉઠતા રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં મુકેલા અંદાજે 17 થી 18 વાહનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે.

મધરાતે મચી નાસભાગ

મળતી વિગતો અનુસાર, આગની આ ઘટના મોડી રાત્રે અંદાજે 01:23 વાગ્યે બની હતી. જ્યારે તમામ રહીશો ગાઢ નિદ્રામાં હતા ત્યારે પાર્કિંગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ગોટા અને ધુમાડો એપાર્ટમેન્ટ સુધી પહોંચતા લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા અને સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

બનાવની જાણ થતા જ ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી લગભગ પોણા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનો બળી જવાથી લાખોનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: Surat: ખજોદમાં આગ પર કાબૂ મેળવવા પાલિકાનો નવો પ્લાન, ફરી આગ ન ભભૂકે તે માટે માટી નાખવાની કવાયત તેજ