સુરતના ડીંડોલી વિસ્તારમાં લોન રિકવરી એજન્ટોની દાદાગીરી અને માનસિક ત્રાસનો વધુ એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 25 વર્ષીય સંજના નામની યુવતીએ બેંક લોનના હપ્તાની વસૂલાત માટે એજન્ટો દ્વારા આપવામાં આવતા સતત ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણ હેરિટેજ ઈમારત પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે.
લોનના હપ્તા અને એજન્ટોનો આતંક
મળતી માહિતી મુજબ, સંજનાના પરિવાર પર હોમ લોન અને બે કાર લોન ચાલી રહી હતી. આ લોનના હપ્તાઓની વસૂલાત માટે વિવિધ બેંકોના રિકવરી એજન્ટો અવારનવાર તેમના ઘરે આવતા હતા. એજન્ટો દ્વારા કરવામાં આવતી ઉઘરાણી અને માનસિક ટોર્ચરને કારણે સંજના ભારે તણાવમાં હતી. વારંવારના ત્રાસ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડર વચ્ચે 25 વર્ષની આ યુવતીએ આખરે મોત વહાલું કરવાનું નક્કી કર્યું હતું.
