સુરત શહેરમાં સાયબર ક્રાઈમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 72 વર્ષીય વૃદ્ધને ઠગોએ 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સતત 26 દિવસ સુધી માનસિક દબાણમાં રાખી તેમની પાસેથી ₹1.48 કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી છે.

સુરતમાં વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા 

ભોગ બનનાર વૃદ્ધને સાયબર ઠગોએ ફોન કરીને ડરાવ્યા હતા કે તેમના નામથી હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધ આપત્તિજનક મેસેજ ફેલાવવામાં આવ્યા છે. આ ગંભીર ગુનો હોવાનું કહી વૃદ્ધને જેલ અને કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવવામાં આવ્યો હતો. ઠગોએ પોલીસ કે તપાસ એજન્સીના નામે વૃદ્ધને વીડિયો કોલ દ્વારા 26 દિવસ સુધી નજરકેદ (ડિજિટલ એરેસ્ટ) રાખ્યા હતા.

ડિજિટલ એરેસ્ટ કરી 1.48 કરોડ પડાવ્યા 

ડરના માર્યા વૃદ્ધે પોતાની જિંદગીની જમાપુંજી સમાન ₹1.48 કરોડ ઠગોએ આપેલા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. સતત માનસિક ત્રાસ અને પૈસા ગુમાવ્યા બાદ જ્યારે વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે તેમણે સુરત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો.હાલમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઠગો વિરુદ્ધ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી છે. 

આ પણ વાંચો: Ahmedabad: દસક્રોઈના ટીંબા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, 15 ફાયર ફાઈટરોની મદદથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ