સુરતના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારે અજાણતામાં આર્થિક આફત નોતરી હતી, જેમાંથી ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. પૂજા-પાઠની સામગ્રી કેનાલમાં પધરાવતી વખતે પરિવારના સભ્યોથી ભૂલથી રૂપિયા 2 લાખની રોકડ પણ કેનાલના વહેતા પાણીમાં પધરાવી દેવામાં આવી હતી.


કેનાલમાં દિલધડક શોધખોળ

જ્યારે પરિવારને જાણ થઈ કે પૂજાના સામાન સાથે રોકડ ભરેલી થેલી પણ પધરાવી દેવાઈ છે, ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. તેમણે તાત્કાલિક સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી કેનાલના પાણીમાં ઉતરીને તપાસ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ જવાનોને કેનાલના તળિયેથી 500-500 રૂપિયાની નોટના 4 બંડલ (કુલ 2 લાખ રોકડ) મળી આવ્યા હતા. જવાનોએ આ પૂરેપૂરી રકમ શોધી કાઢી પરિવારને સલામત રીતે સુપરત કરી હતી.

જવાનો ઇજાગ્રસ્ત પણ ફરજ અકબંધ

આ શોધખોળની કામગીરી સરળ નહોતી. કેનાલના ગંદા પાણી અને કચરા વચ્ચે કામ કરતી વખતે ફાયર બ્રિગેડના બે જવાનોને કાચ વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં, તેમણે પોતાની ઈજાની પરવા કર્યા વગર પરિવારની મૂડી બચાવી આપી હતી. પોતાની મહેનતની કમાણી પરત મળતા પરિવારે ફાયર વિભાગના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જવાનોની નિષ્ઠા તેમજ સાહસિક કામગીરીને બિરદાવી હતી. શહેરભરમાં ફાયર વિભાગની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: