સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સારોલી ટેક્સટાઇલ માર્કેટના એક વેપારી સાથે ₹39.93 લાખથી વધુની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી જયદીપ ઉર્ફે વિજય જગદીશભાઇ સોનીને સારોલી પોલીસે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી દબોચી લીધો છે.


 પહેલા વિશ્વાસ જીત્યો પછી લાખોનો ચૂનો લગાવ્યો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જયદીપ સોની દલાલો મારફતે કાપડ માર્કેટના વેપારીઓનો સંપર્ક કરતો હતો. શરૂઆતના તબક્કે તે નાની રકમનો માલ મંગાવી તેનું સમયસર પેમેન્ટ ચૂકવી દેતો હતો, જેથી વેપારીઓમાં તેના પ્રત્યે વિશ્વાસ બેસે. એકવાર વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, આરોપીએ સારોલી માર્કેટના વેપારી પાસેથી ₹39.93 લાખનો મોટો જથ્થો મંગાવ્યો હતો. માલ મળતાની સાથે જ આરોપી પોતાની દુકાનો બંધ કરી રાતોરાત ફરાર થઈ ગયો હતો.

રીઢો ગુનેગાર હોવાનું ખૂલ્યું

ઝડપાયેલો આરોપી જયદીપ સોની કોઈ નવો નિશાળિયો નથી, પરંતુ છેતરપિંડીના ગુનામાં રીઢો હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ અગાઉ પણ સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને ડી.સી.બી. (ક્રાઈમ બ્રાન્ચ) માં છેતરપિંડીના 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સારોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં છુપાયેલા આ આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઝડપાયેલ કરોડોની નકલી નોટનો કેસ, સેન્ટ્રલ એજન્સીઓના ક્રાઇમ બ્રાંચ ખાતે ધામા અને આરોપીઓની કરી પૂછપરછ

  • Follow us on: