સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને શહેરના એક કુખ્યાત અને વોન્ટેડ આરોપી રાજ પાટીલ ઉર્ફે સંજય આર પાટીલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી લાંબા સમયથી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો, જેના વિરુદ્ધ નામદાર કોર્ટે અગાઉ ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું.

તાજેતરમાં ચપ્પુ બતાવી કરી હતી લૂંટ

આરોપી રાજ પાટીલે થોડા સમય અગાઉ સચિન હોજીવાલા રોડ પર એક નિર્દોષ મજૂરને નિશાન બનાવ્યો હતો. તેણે મજૂરને ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને તેની પાસેથી 8000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ લૂંટની ઘટના બાદ પોલીસ તેની પાછળ પડી હતી.

મરોલી ચાર રસ્તા પાસેથી ધરપકડ

પકડાયેલા આરોપી રાજ પાટીલનો ઇતિહાસ અત્યંત ગંભીર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના વિરુદ્ધહત્યા,હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતના કુલ 7 જેટલા ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે.સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મરોલી વિસ્તારમાં છુપાયેલો છે. જેના આધારે વોચ ગોઠવીને મરોલી ચાર રસ્તા પાસેથી તેને દબોચી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Ahmedabad: ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 9 લાખ કરોડને પાર કરશે, હવે આપણો ટાર્ગેટ દેશની જરૂરિયાત મુજબની તમામ ચિપ્સ સ્વદેશમાં જ બનાવવાનો