સુરતના હજીરા પંથકમાં આવેલા મોરા ગામમાં કુદરતી આફતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ત્રણ દિવસ પહેલા આવેલા મીની વાવાઝોડા અને ભારે પવનને કારણે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ ત્રણ દિવસ બાદ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 રક્ષણ મેળવવા ઉભો રહ્યો અને કાળ ભેટી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મીની વાવાઝોડું ત્રાટક્યું હતું. તે સમયે ભારે પવન અને વરસાદથી બચવા માટે એક યુવક ઝાડ નીચે ઉભો રહ્યો હતો. પરંતુ પવન એટલો પ્રચંડ હતો કે વિશાળકાય ઝાડ ધરાશાયી થઈ ગયું હતું અને તે યુવક તેની નીચે દબાઈ ગયો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું, પરંતુ કોઈને તેની જાણ થઈ ન હતી.

ત્રણ દિવસ બાદ ખુલી ઘટના

ગઈકાલે જ્યારે ઝાડ નીચે દબાયેલી લાશમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી, ત્યારે સ્થાનિક લોકોએ તપાસ કરી હતી. ઝાડના થડ અને ડાળીઓ વચ્ચે યુવકનો મૃતદેહ જોતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ પોલીસ અને પરિવારને જાણ કરવામાં આવી હતી. પોતાના લાડકવાયા પુત્રની આવી હાલતમાં લાશ જોતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vav-Tharad: બુઢણપુર ગામે જમીન સોદામાં 21.50 લાખની છેતરપિંડી, દસ્તાવેજ માગતા પિતા-પુત્રને જાનથી મારવાની ધમકી