બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢણપુર ગામે જમીન વેચાણના બહાને લાખો રૂપિયા પડાવી લેવાનું સનસનીખેજ કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. ડુવા ગામના એક ખેડૂત સાથે જમીન સોદામાં વિશ્વાસઘાત કરી નક્કી કરેલી રકમ કરતા લાખો રૂપિયા વધુ પડાવ્યા હોવા છતાં દસ્તાવેજ ન કરી આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વાવ-થરાદમાં જમીન સોદામાં છેતરપિંડી
ફરિયાદ મુજબ, ડુવા ગામના મહેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2022માં બુઢણપુર ગામે એક વીઘા જમીન રાખવા માટે આરોપી પ્રેમજીભાઈ અને તેમના પુત્ર ચિરાગ સાથે ₹11 લાખમાં સોદો કરી બાનાખત કર્યું હતું. જોકે, આરોપીઓએ મહેન્દ્રસિંહને વિશ્વાસમાં લઈ સમયાંતરે અલગ-અલગ બહાના હેઠળ નક્કી કરેલી રકમ કરતા ₹10.50 લાખ વધુ, એટલે કે કુલ ₹21.50 લાખ પડાવી લીધા હતા.
દસ્તાવેજની માગણી કરતા મળી ધમકી
પૂરેપૂરા અને વધારાના નાણાં ચૂકવી દીધા હોવા છતાં જ્યારે મહેન્દ્રસિંહે જમીનનો દસ્તાવેજ કરી આપવા માગણી કરી, ત્યારે આરોપી પ્રેમજીભાઈ અને પુત્ર ચિરાગે દસ્તાવેજ કરવામાં આનાકાની કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ મહેન્દ્રસિંહ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
થરાદ પોલીસની કાર્યવાહી
છેતરપિંડીનો ભોગ બનેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ અંતે થરાદ પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે પ્રેમજી, ચિરાગ સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જમીન માફિયાઓ દ્વારા આચરવામાં આવેલા આ ઠગાઈના કિસ્સાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: Gandhinagar: શેરથા નજીક આઈશર કાર પર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, દર્શને જતાં દંપતી પૈકી પત્નીનું કરુણ મોત