સુરતના સિંગણપોર વિસ્તારમાં ગતરોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ ગતિએ આવતા એક ટેમ્પોચાલકે એકસાથે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફ્રૂટની લારી લઈને જતા એક વૃદ્ધા અને તેમના પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, સિંગણપોરના જાહેર માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પોના ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પોએ સૌથી પહેલા ફ્રૂટની લારી સાથે જઈ રહેલા વૃદ્ધા અને તેમના પૌત્રને ટક્કર મારી હતી. આ બાદ ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય ત્રણ રાહદારીઓને પણ અડફેટે લઈને આગળ વધ્યો હતો.
પોલીસની શોધખોળ શરૂ
આ અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પોચાલક તાત્કાલિક પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલા તમામ પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા ટેમ્પોચાલકની ઓળખ કરીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બેફામ ડ્રાઇવિંગને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાત ઊભી કરી છે.













