સુરતમાં છેતરપિંડીના એક જૂના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સલાબતપુરા વિસ્તારમાં વર્ષ 2016માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી માલિક સાથે લાખોની ઠગાઈ આચરનાર અને છેલ્લા 10 વર્ષથી ફરાર રહેલા આરોપી રાજન યાદવને પોલીસે ઝડપી પાડ્યો છે.
છેતરપિંડીના એક જૂના કેસમાં સફળતા
વર્ષ 2016માં આરોપી રાજન યાદવ કોહીનૂર ટેક્ષટાઇલ માર્કેટમાં એક વેપારીના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. માલિકનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ, રાજને તક મળતા જ માલિકની જાણ બહાર સહી કરેલા 4 ચેક ચોરી લીધા હતા. આ ચેકોનો ઉપયોગ કરીને તેણે કુલ ₹7.03 લાખ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ઠગાઈ કર્યા બાદ રાજન યાદવ શહેર છોડીને ફરાર થઈ ગયો હતો.
10 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો
ઘટના બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ રાજન પોલીસની પકડથી દૂર હતો. છેલ્લા 10 વર્ષથી તે પોલીસને થાપ આપી રહ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમી અને સતત વોચના આધારે આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને કાયદાના સકંજામાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. તે આ દસ વર્ષ દરમિયાન ક્યાં છુપાયો હતો અને કોઈ અન્ય ગુનામાં પણ તેની સંડોવણી છે કે નહીં, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: પાદરામાં વહેલી સવારે અકસ્માત, પથ્થર ભરેલી ટ્રક પલટી જતાં ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત