સુરતના કામરેજ વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, મહિલા પોતાના ઘરેથી પિયર જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે અચાનક કામરેજ સ્થિત એક શોપિંગ સેન્ટર પર પહોંચી હતી અને ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. આ કંપારી છૂટી જાય તેવી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં મહિલા ઉપરથી નીચે પટકાતી સ્પષ્ટ જોવા મળે છે.
મહિલાને હોસ્પિટલ ખસેડાઈ
મહિલા નીચે પટકાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઊંચાઈ પરથી પડવાને કારણે મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગલે તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે કે પિયર જવાનું કહી નીકળેલી મહિલાએ આખરે કયા સંજોગોમાં આવું આત્મઘાતી પગલું ભર્યું.













