સુરતના કઠોર વિસ્તારમાં તાપી નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજની કામગીરી સમયે લોખંડની મહાકાય પ્લેટ નીચેથી પસાર થતી બોટ પર પડતા પિતા અને પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
તાપી નદીમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી
મળતી માહિતી મુજબ, સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન નદીના પાણીમાં બોટ દ્વારા પિતા અને પુત્રી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બ્રિજ પરથી લોખંડની એક ભારેખમ પ્લેટ બોટ ઉપર પડી હતી. પ્લેટ એટલી વજનદાર હતી કે પિતા-પુત્રીને સંભાળવાની તક પણ મળી નહોતી અને બંને પ્લેટ નીચે દબાઈ જવાથી મોતને ભેટ્યા હતા.










