સુરત શહેરમાં વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કાપડના એક વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ જનાર આરોપી ચમનસિંહ ગૌડને સચિન પોલીસે દબોચી લીધો છે.


સચિન વિસ્તારમાં કાપડના વેપારી સાથે છેતરપિંડી

આરોપી ચમનસિંહ ભવાનીસિંહ ગૌડ દ્વારા સચિન વિસ્તારના એક કાપડ વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિશ્વાસમાં લઈને આરોપીએ ફરિયાદી પાસેથી અંદાજે રૂપિયા 10.45 લાખની કિંમતનો કાપડનો જથ્થો ઉધારમાં ખરીદ્યો હતો. વેપારીને આશા હતી કે સમય મર્યાદામાં તેનું પેમેન્ટ આવી જશે, પરંતુ આરોપીના ઈરાદા કંઈક અલગ જ હતા.

દુકાન બંધ કરી થયો હતો ફરાર

માલની ડિલિવરી મેળવી લીધા બાદ, જ્યારે પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે ચમનસિંહે પોતાની દુકાન રાતોરાત બંધ કરી દીધી હતી. તે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને કોઈને પણ જાણ કર્યા વિના પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. વેપારીએ જ્યારે તપાસ કરી ત્યારે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું, જે બાદ સચિન પોલીસ સ્ટેશનમાં વિધિવત છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સચિન પોલીસની સફળતા

છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ સચિન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ચમનસિંહ ભવાનીસિંહ ગૌડને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot: કાલાવડ રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવ્યો, કાર ડિવાઈડર કૂદી રેલિંગમાં ઘૂસી




  • Follow us on: