સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના કડક વલણને પગલે માંડવી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં બે જવાબદાર એન્જિનિયરો અને કન્સ્ટ્રક્શન એજન્સીના 5 માલિકોનો સમાવેશ થાય છે. આ તમામ સામે બાંધકામમાં બેદરકારી દાખવવા અને ગુણવત્તા સાથે ચેડાં કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બેદરકારી ભારે પડી!
પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની હાલ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી આ ભ્રષ્ટાચારમાં અન્ય કોની સંડોવણી છે તે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે, 95 લાખના ખર્ચે બનેલી આ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડતા અનેક સવાલો ઉભા થયા હતા. આ કેસમાં હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. સરકારના કડક આદેશ બાદ પોલીસ હવે આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી અને કસૂરવારોને કડક સજા થાય તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
