સુરતના ડભોલી વિસ્તારમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. ગરીબો માટે આવતા અનાજને ખાનગી ગુણીઓમાં ભરીને બારોબાર વેચી મારવાના ખેલનો સ્થાનિક લોકોએ પર્દાફાશ કર્યો છે. અગાઉ સચિન વિસ્તારમાં જે રીતે અનાજ ચોરી ઝડપાઈ હતી, તેના જેવું જ આ બીજું મોટું નેટવર્ક હોવાનું મનાઈ રહ્યું છે.


લોકોએ જનતારેડ કરતા ખાનગી ગોડાઉનમાંથી મળ્યો જથ્થો

ડભોલી વિસ્તારના લોકો લાંબા સમયથી સરકારી અનાજમાં થતી ગેરરીતિથી કંટાળ્યા હતા. લોકોએ ભેગા મળીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી 'જનતારેડ' કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે સરકારી અનાજને ખાનગી કોથળાઓમાં ભરીને સગેવગે કરવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક દોડી આવીને વ્યાજબી ભાવની કે-40 (K-40) નંબરની દુકાન ને સીલ કરી દીધી છે. ઉપરાંત, બાજુમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં છુપાવેલો અનાજનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે.

મોટા માથાઓની સંડોવણીની ચર્ચા

આ કૌભાંડ માત્ર દુકાનદાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા ગજાના લોકોની સંડોવણી હોવાની આશંકા છે. હાલમાં સ્થાનિક સ્તરે હિમાંશુ, નાગજી, કૈલાસ, બંસીધર અને રાહુલ નામના શખ્સોના નામ ચર્ચામાં આવ્યા છે. લોકોની માગ છે કે જો આ તમામ વ્યક્તિઓના કોલ રેકોર્ડિંગ્સ (Call Recordings) ની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, તો સરકારી અનાજ ચોરીના આંતરજિલ્લા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે.

અગાઉ સચિનમાંથી અનાજ ચોરી ઝડપાઇ હતી

થોડા સમય પહેલા સુરતના સચિન વિસ્તારમાંથી પણ આ જ પદ્ધતિથી અનાજ ચોરીનું કૌભાંડ પકડાયું હતું. ડભોલીની આ ઘટના પણ એ જ પેટર્ન પર ચાલતી હોવાનું જણાય છે. સરકારી ગોડાઉનમાંથી દુકાનો સુધી પહોંચતા પહેલા અથવા દુકાને પહોંચ્યા બાદ અનાજ કેવી રીતે બારોબાર વેચાઈ જાય છે, તે તપાસનો મુખ્ય વિષય છે.

આ પણ વાંચો: Amreli: ખાંભામાં સિંહ પાછળ પડતા બળદો કૂવામાં પડ્યા, 5 કલાકના ભારે જહેમત બાદ એક બળદને બચાવાયો

  • Follow us on: