ડાયમંડ સિટી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી તપાસ દરમિયાન મોટી માત્રામાં નશીલો પદાર્થ એટલે કે ગાંજો ઝડપાયો છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે સતર્ક કસ્ટમ વિભાગે મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા આ ભાંડો ફૂટ્યો હતો.


સેફ્ટી જેકેટમાં બનાવ્યું હતું ગુપ્ત ખાનું

ઘટનાની મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરની કડક તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. તેણે પહેરેલા સેફ્ટી જેકેટની અંદર અત્યંત ચાલાકીપૂર્વક નશીલો પદાર્થ છુપાવ્યો હતો. જોકે, કસ્ટમ વિભાગના અધિકારીઓની બાજ નજરથી તે બચી શક્યો ન હતો.

1656 ગ્રામ ગાંજો જપ્ત

કસ્ટમ વિભાગે જ્યારે જેકેટની ઝીણવટભરી તપાસ કરી ત્યારે તેમાંથી કુલ 1656 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. વિભાગે તાત્કાલિક અસરથી પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો કબજે કરી લીધો હતો.

કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી

આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ લાવનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેની સામે કસ્ટમ એક્ટ અને NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુસાફર આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં ઉંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલના રોમટીરીયલનો ભાવ ભડકે બળ્યો, વિદેશથી આવતો કાચો માલ ઘટી ગયો


  • Follow us on: