ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ઉદ્યોગો પર પડી રહી છે. એક તરફ ગેસની શોર્ટેઝને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સહિત રહેણાંકમાં ભારે હાલાકી સર્જાઈ છે. બીજી બાજુ નાના મોટા ઉદ્યોગોમાં પણ ઉત્પાદન બંધ થાય તેવી વિકટ સ્થિતિ આવીને ઉભી રહી છે. હવે માર્કેટમાં મળતી પીવાના પાણીની બોટલ પર પણ આ યુદ્ધની અસરથી સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાની વિગતો સામે આવી છે. પરિણામે પ્લાસ્ટિકના કાચા માલની ભારે અછત સર્જાઈ છે.પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ અત્યારે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે બોટલ બનાવવા માટે વપરાતા મટીરિયલના ભાવમાં વધારો થયો છે.
વિદેશથી આવતો માલ સાવ ઘટી ગયો
ઓલ ગુજરાત પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ પટેલે કહ્યું હતું કે, યુદ્ધની આગે ઉદ્યોગોની કમર પણ તોડી નાખી છે.ખાસ કરીને પ્લાસ્ટિક રોમટીરિયલ મળવું હવે મુશ્કેલ બન્યું છે.આંકડાકીય રીતે જોઈએ તો પ્લાસ્ટિકના રો મટેરિયલમાં ડિસેમ્બર 2025 પહેલા ભાવ રૂપિયા 100 પ્રતિ કિલો હતો. તેમાં અત્યારે રૂપિયા 50નો વધારો થયો છે.કાચો માલ ઉદ્યોગમાં વપરાતા આ દાણાના ભાવ પહેલા ટન દીઠ રૂપિયા 1,20,000 હતા. જે હવે વધીને રૂપિયા 1,95,000 સુધી પહોંચી ગયા છે. રૂપિયા 75,000નો વધારો ઝીંકાયો છે. વિદેશથી આવતો માલ સાવ ઘટી ગયો છે.જેટલી માંગ છે તેની સામે પૂરવઠો નથી.













