સુરતમાં આચરવામાં આવેલા આશરે રૂ.1500 કરોડના ગંજાવર સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો અને છેલ્લા એક વર્ષથી દુબઈમાં છુપાયેલો પાંચમો આરોપી અલ્પેશ વઘાસિયા જેવો સુરત એરપોર્ટ પર ઉતર્યો, કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો છે.


કૌભાંડના પાંચમાં આરોપીની ધરપકડ

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું છે કે આરોપીઓએ 'આઈવી ટ્રેડ' (IV Trade) નામે ઓફિસ ખોલી હતી. તેઓ ભોળા રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી શિકાર બનાવતા હતા. રોકાણકારો પાસેથી મેળવેલા કરોડો રૂપિયા આ ટોળકી હવાલા અને આંગણિયા મારફતે સીધા દુબઈ મોકલી આપતી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 40થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં રૂ.1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અત્યાર સુધી 40થી વધુ બેંક ખાતાઓની તપાસ

આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કુલ 171 જેટલી ફરિયાદો નોંધાઈ છે. અલ્પેશ વઘાસિયાની ધરપકડ બાદ હવે આ હવાલા રેકેટ અને તેમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવીને તેણે દુબઈમાં રહીને નેટવર્ક કેવી રીતે ચલાવ્યું અને નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: