સુરત શહેરના વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં બેદરકાર સાબિત થયા છે, જેના કારણે સુરતીઓએ ટ્રાફિક નિયમ ભંગ કરવામાં તમામ રેકોર્ડ તોડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા માત્ર 12 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીના આંકડા ચોંકાવનારા છે. ટ્રાફિક પોલીસે આ ટૂંકા ગાળામાં કુલ 34,869 કેસ નોંધ્યા છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરતના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કેટલા મોટા પાયે થઈ રહ્યો છે.
સિગ્નલ ભંગ અને રોંગ સાઇડના કેસ
નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ સિગ્નલ ભંગ અને રોંગ સાઇડ પર વાહન ચલાવવાના છે. આ બેદરકારીભર્યા વર્તનને કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર દંડ વસૂલ કરીને તેમજ ઈ-ચલણ દ્વારા કુલ 3,127 લોકો સામે કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવીને નિયમનું પાલન ન કરનારા વાહનચાલકોને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો છે.













