રાજ્યમાં ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને કોઈ પણ ખલેલ વગર તૈયારી કરી શકે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આજથી જ સમગ્ર શહેરમાં ડીજે અને લાઉડ સ્પીકર વગાડવા પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.


રાત્રે 10 વાગ્યા પછી સજ્જડ અમલ

લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રાધાન્ય આપતા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, રાત્રે 10 વાગ્યા બાદ કોઈપણ સ્થળે લાઉડ સ્પીકર કે ડીજે વગાડી શકાશે નહીં. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ ડીજેની સિસ્ટમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધ્વનિ પ્રદૂષણ રોકવા અન્ય પગલાં

માત્ર ડીજે જ નહીં, પરંતુ રાત્રિના સમયે રહેણાંક વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર અને બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓ મોડી રાત સુધી વાંચતા હોય છે, ત્યારે વાહનોના ઘોંઘાટથી તેમની એકાગ્રતા ન ખોરવાય તે માટે આ નિર્ણય લેવાયો છે.




વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

સુરત પોલીસના આ સંવેદનશીલ નિર્ણયને વાલીઓ અને શિક્ષણ જગત દ્વારા આવકારવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં થતા ઘોંઘાટને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, પરંતુ આ વખતે પોલીસની કડક અમલવારીને કારણે વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.


આ પણ વાંચો - Surat : બોર્ડ પરીક્ષા પહેલા સુરત પોલીસનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ માટે ખુશખબર



  • Follow us on: