સુરત મહાનગરપાલિકા (SMC) ની છેલ્લી સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક સ્થળો અને વિસ્તારોના નામ બદલવા અંગેની ચર્ચા બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સુરત મનપાની મુખ્ય કચેરી જે વિસ્તારમાં આવેલી છે તે 'મુગલસરાઈ' વિસ્તારની ઓળખ હવે બદલાઈ ગઈ છે.
મનપાની કચેરીને નવું નામ ‘તાપી ભવન’
સુરતની જીવાદોરી સમાન તાપી નદીના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે વિસ્તાર 'મુગલસરાઈ' તરીકે ઓળખાતો હતો, તેનું નામ બદલીને હવે 'તાપીપુરા' કરવામાં આવ્યું છે. હવે મનપાની કચેરી સત્તાવાર રીતે તાપીપુરા વિસ્તારમાં ગણાશે. સુરત મહાનગરપાલિકાની જે મુખ્ય વહીવટી કચેરી છે, તેને હવે 'તાપી ભવન' તરીકે ઓળખવામાં આવશે. વર્ષો જૂની આ ઈમારત પર હવે નવું નામ અંકિત કરવામાં આવશે.













