યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઉચ્ચ શિક્ષણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે માત્ર પરીક્ષા પાસ કરવી પૂરતી નહીં રહે, પરંતુ પોતાની શારીરિક ક્ષમતા પણ સાબિત કરવી પડશે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આ નવી માર્ગદર્શિકા મુજબ આગામી શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રમતગમત હવે શિક્ષણનો અભિન્ન ભાગ
VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના સ્વાસ્થ્યને શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્પોર્ટ્સમાં ભાગ લેતા નહોતા, તેમણે હવે ફરજિયાતપણે મેદાનમાં ઉતરવું પડશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ મોબાઈલ અને પુસ્તકોની દુનિયામાંથી બહાર આવી જમીન સાથે જોડાયેલી રમતોમાં સક્રિય થશે.
કઈ રમતોનો સમાવેશ થશે?
નવી માર્ગદર્શિકા મુજબ, વિદ્યાર્થીઓએ ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો અને બાસ્કેટબોલ. રનીંગ અને સાયકલિંગ. ટેબલ ટેનિસ જેવી રમતોમાંથી પસંદગી કરવાની રહેશે. કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, આજકાલ વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તણાવને ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ અત્યંત જરૂરી છે. જો વિદ્યાર્થી શારીરિક રીતે સક્ષમ હશે તો જ તે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકશે. UGC દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ભવિષ્યની પેઢીને મજબૂત બનાવવા માટે ખૂબ જ યોગ્ય અને આવકારદાયક છે.
આ પણ વાંચો: Vadodara: કરજણના નારેશ્વર રોડ પર બાઈક સ્લીપ થતા ડમ્પર ફરી વળ્યું, 2 વર્ષની માસૂમ બાળકી અને યુવકનું કરુણ મોત