સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવા વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રતિક વસાવાએ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1 કરોડ લિંબાયતના સલીમ આરટીઓ નામના શખ્સને આપ્યા હતા. સલીમ આ નાણાં દુબઈમાં બેઠેલી ચાઈનીઝ ગેંગને USDT (ક્રિપ્ટોકરન્સી) મારફતે ટ્રાન્સફર કરતો હતો. પ્રતિક આ આખા કૌભાંડમાં 20 ટકા જેટલું ઊંચું કમિશન લેતો હતો અને તેણે બેંક ખાતા ખોલાવવા માટે અનેક નકલી પાનકાર્ડ પણ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
કરોડોનું ફ્રોડ
આ ઠગ ટોળકી પોલીસની નજરથી બચવા માટે અત્યંત સાવચેતી રાખતી હતી. પ્રતિક વસાવા ડિંડોલીના ઓમનગરમાં પોતાના ઘરેથી આ નેટવર્ક ચલાવતો હતો અને પોલીસની અવરજવર પર નજર રાખવા માટે તેણે ઘરની આસપાસ 200 મીટરના વિસ્તારમાં CCTV કેમેરાનું નેટવર્ક ગોઠવ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી તેણે ડિંડોલીમાં દુકાનો ભાડે રાખી ત્યાંથી પોતાનો કાળો કારોબાર વિસ્તર્યો હતો. હાલમાં સુરત સાયબર ક્રાઈમે આ ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી તેમને 5 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે, જેનાથી આગામી દિવસોમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.













