શહેરના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાવાના કેસમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી ઈશા અનઘણની ધરપકડ બાદ હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. પોલીસે ઈશાનો મોબાઈલ ફોન કબજે કરી તેની ફોરેન્સિક તપાસ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.
વોટ્સએપ ચેટથી લંડન કનેક્શનનો પર્દાફાશ
પોલીસ તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈશાના મોબાઈલમાંથી લંડનમાં રહેતા જનક જાગાણી સાથેની વોટ્સએપ ચેટ મળી આવી. આ ચેટમાં ડ્રગ્સના નેટવર્ક અને લેવડ-દેવડ અંગેની વિગતો હોવાની આશંકા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે,જનક જાગાણી સાથે ઈશાએ કેટલી વાર વાત કરી?ચેટમાં કયા પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?ડ્રગ્સના વેચાણમાં લંડન બેઠેલા આ શખ્સની ભૂમિકા શું હતી?
કેમિકલ સપ્લાયર 'જીતુ' ઉર્ફે બ્રિજેશની શોધખોળ
ડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરીમાં કેમિકલ પહોંચાડનાર મુખ્ય કડી એટલે બ્રિજેશ ભાલોડીયા (ઉર્ફે જીતુ). પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્રિજેશ જ ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ સપ્લાય કરતો હતો. હાલમાં પોલીસ બ્રિજેશની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી રહી છે. બ્રિજેશની ધરપકડ બાદ આ નેટવર્કના અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે છે.
ફરીથી પૂછપરછની તૈયારી
સુરત પોલીસે જણાવ્યું છે કે ઈશાના મોબાઈલમાંથી મળેલા ડેટા અને વોટ્સએપ ચેટનું વિશ્લેષણ કર્યા બાદ જો જરૂર જણાશે તો ઈશા અનઘણની ફરીથી કસ્ટડી મેળવી પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ ક્યાં વેચાતું હતું અને આ રેકેટમાં અન્ય કેટલા સ્થાનિક લોકો સામેલ છે, તે તમામ પાસાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી મળેલા 40 ચામડા અને 130 નખ અસલી કે નકલી? FSL રિપોર્ટ પર સૌની મીટ