સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરીપુરા ગામમાં બાઇક ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર ગણાતા છત્રાલા કોમ્પલેક્ષ પાસેથી તસ્કરોએ પાર્ક કરેલી બાઇકની ઉઠાંતરી કરી છે.
હરીપુરા ગામમાં બાઇક ચોરી
મળતી માહિતી મુજબ, હરીપુરા ગામના છત્રાલા કોમ્પલેક્ષની પાછળના ભાગમાં એક બાઇક માલિકે પોતાની બાઇક સુરક્ષિત રીતે પાર્ક કરી હતી. થોડા સમય બાદ જ્યારે માલિક પરત ફર્યા ત્યારે બાઇક ત્યાં જોવા મળી ન હતી. આસપાસ શોધખોળ કરવા છતાં બાઇક ન મળતા, માલિકે નજીકના કોમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા તપાસ્યા હતા.
CCTVમાં કેદ થયો લાઈવ નજારો
સીસીટીવી ફૂટેજ જોતા માલિક સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ અત્યંત ચાલાકીથી બાઇકનું લોક ખોલી તેને ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ દેખાય છે. આ ફૂટેજમાં ચોરનો ચહેરો અને તેની કામ કરવાની પદ્ધતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે હવે પોલીસ માટે મોટો પુરાવો સાબિત થશે.બાઇક માલિકે તાત્કાલિક અસરથી કડોદરા પોલીસ મથકે પહોંચી ચોરી અંગેની વિધિવત ફરિયાદ નોંધાવી છે. કડોદરા પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: Bharuch: ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓનો ભોગ લેવાયો, ઝેરી પાણી પીતા 9 કિંમતી ગાયોના મોત