કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા કથિત નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા હેમાલીબેન બોઘાવાલાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતીઓના અપમાન બદલ માફીની માગ કરી હતી.
ગુજરાતીઓ સામે વાંધો શું છે?
હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મૂર્ખ અને અભણ જેવા શબ્દોનો પ્રયોગ કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ પોતાની મહેનતથી ડંકો વગાડી રહ્યા છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરૂષોની આ ધરતી છે, ત્યારે કોંગ્રેસને વારંવાર ગુજરાતીઓનું અપમાન કરે છે. તેમને ગુજરાતીઓ સામે વાંધો શું છે?
SOU નો પણ કર્યો હતો વિરોધ
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા નિવેદનો કરી રહ્યા છે.
આ 'સાસુ-બહુ' વાળી પાર્ટી નથી
ખડગે પર કટાક્ષ કરતા હેમાલીબેને કહ્યું કે, તમે તમારા નેતાઓને પહેલા એ શીખવો કે કઈ વસ્તુ લીટરમાં મળે અને કઈ કિલોમાં! આ કોઈ સાસુ-બહુ વાળી સીરિયલની પાર્ટી નથી, આ મજબૂત કાર્યકર્તાઓની પાર્ટી છે. ગુજરાત આજે શાંતિ અને વિકાસનો પર્યાય બની ગયું છે.
હાર સ્વીકારી લીધી હોય તેવું લાગે છે
સ્થાનિક સ્વરાજ્યની અને અન્ય રાજ્યોની ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસની આવી ભાષા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે પોતાની હાર અત્યારથી જ સ્વીકારી લીધી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે વિશ્વમાં ઓળખ ધરાવતા ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. ભાજપના કાર્યકર્તાઓએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે, અને મલ્લિકાર્જુન ખડગેએ જાહેર માફી માંગવી જોઈએ તેવી માગ કરી છે.
આ પણ વાંચો - Surat news: સચિન વિસ્તારમાંથી બે ઠગબાજો ઝડપાયા, 3,700થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડીનો પર્દાફાશ