સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ગુનાખોરીની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પીપોદરા ગામની સીમમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ એક રાહદારી યુવકને નિશાન બનાવી, તેના ગળાના ભાગે બ્લેડ મારી મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો છે.

રાહદારીના ગળા પર બ્લેડ મારી સ્નેચિંગ

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવક નેશનલ હાઇવે ૪૮ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પીપોદરા ગામ પાસે અચાનક બાઈક પર સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ તેને આંતર્યો હતો. લૂંટારુઓએ લૂંટના ઈરાદે યુવકના ગળા પર બ્લેડ જેવી તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કર્યો હતો. યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતા લૂંટારુઓ તેનો કિંમતી મોબાઈલ આંચકીને પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

હુમલામાં યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો.

 આ પણ વાંચો: Rajkot: કોટડા સાંગણીના રાજપરામાં ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા તબીબ પર પોલીસ ત્રાટકી