સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં સામાન્ય બાબતમાં થયેલી તકરારે એક હિંસક વળાંક લીધો છે. બાળકો વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે.

કોસાડ આવાસમાં હત્યા 

મૃતક મોહમ્મદ ફરીદની સાળીના નાના છોકરાઓનો પડોશમાં રહેતા અન્ય બાળકો સાથે ઝઘડો થયો હતો. આ બાબતને શાંત પાડવા અને સામે પક્ષને સમજાવવા માટે ફરીદ અને તેના પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલા ત્યાં ગયા હતા. જોકે, સમજાવટ કરવા ગયેલા પિતા-પુત્ર પર સામે પક્ષના ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને હિંસક હુમલો કર્યો હતો.

સામાન્ય બાબતમાં થયેલી તકરારે એક હિંસક વળાંક લીધો

 આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તકી નામના ઇસમોએ તીક્ષ્ણ હથિયારો વડે ફરીદ અને તેના પિતા પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ 30 વર્ષીય ફરીદને મૃત જાહેર કર્યો હતો.આ હુમલામાં પુત્રને બચાવવા ગયેલા પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો કોસાડ આવાસ પહોંચી ગયો હતો. હુમલો કરનાર ચારેય શખ્સો (આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તકી) વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.આરોપીઓ પણ તે જ વિસ્તારના રહેવાસી હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.વિસ્તારમાં વધુ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ambaji: ગબ્બર તળેટીમાં તંત્રનું મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 દુકાનો પર જેસીબી ફેરવી દેવાયું